લ્યુકેમિયા – 26 દૂર દેખાઈ રોશની

થોડાક કલાક પછી મારી આંખ ખુલી ત્યારે મારી પાસે કોઈ નહોતું. હું હોસ્પિટલના એક રૂમમાં સૂતેલો હતો. મારા નાક પર ઓક્સિજન માસ્ક ચડાવેલું હતું. એક હાથમાં બોટલ ઉતરી રહી હતી ને બીપ બીપનો અવાજ આવી રહ્યો હતો.

એકાએક મારી નજર બાજુમાં ગઈ, ત્યાં સિતારા હજુ પણ બેહોશ પડેલી હતી. તેને હજુ સુધી હોંશ નહોતો આવ્યો. એકાએક તેને શ્વાસ ચડવા લાગ્યો. એ ઊંચી-નીચી થવા લાગી. મને કંઈ સમજાઈ રહ્યું નહોતું કે હું શું કરું! આસપાસ અમાર ક્યાંય દેખાઈ રહ્યો નહોતો.

મારી ચિંતામાં વધારો થઈ રહ્યો હતો. સિતારાની તબિયત વધારે ખરાબ થવા લાગી ને હવે મારાથી સહન થાય એમ નહોતું. એક હાથથી સોય ખેંચી લીધી અને બીજા હાથથી ઓક્સિજન માસ્ક ઉતરી દીધું. એક હાથમાંથી લોહી વહી રહ્યું હતું. અસહ્ય પીડા થઈ રહી હતી પણ સિતારા પાસે જઈને બેસી ગયો. સિતારાની તબિયત વધારે બગડી રહી હતી. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં હતાં. મેં ડૉક્ટરના નામની બૂમો પાડી એટલે તરત જ ડૉક્ટર અને તેમની સાથે બે-ત્રણ નર્સ દોડીને આવ્યાં.

એક નર્સ મને પાસેથી ઉઠાડ્યો અને કહ્યું, ‘તમારી તબિયત પણ ઠીક નથી! તમે જાતે સોય કેમ કાઢી? જુઓ તો તમારા હાથમાંથી કેટલું લોહી વહી રહ્યું છે!’

હું ત્યાંથી ઊભો થવા નહોતો માગતો પણ એ નર્સ મને મારા બેડ પર લઈ ગઈ. વહેતા લોહીને રોકવા માટે એને મારી મલમપટ્ટી કરી અને પછી બીજા હાથે ફરી બોટલ ચડાવી દીધી. મારુ ધ્યાન હજુ સિતારા તરફ જ હતું. આંખો મારી પહોળી થઈ અને હૃદય મારું ધબધબ ધબકવા લાગ્યું. મેં ડૉક્ટર અવિનાશને પૂછ્યું,

‘સિતારાને શું થયું છે? હજુ તેને હોંશ કેમ નથી આવી રહ્યો?’

ત્યારે તે બોલ્યા, ‘વધારે પડતો સ્ટ્રેસ લેવાને લીધે તે બેહોશ થઈ ગયાં છે. હજુ તેમને જુએ એટલું ઠીક નથી. બસ એટલે જ એમને હોંશ આવ્યો નથી. એમનું બીપી પણ ડ્રોપ થયું છે, અને હજુ તે સદમામાં છે. એટલે તેમને 24 કલાકના અંડરઓબ્ઝર્વેશન રાખ્યા છે. પણ મને વિશ્વાસ છે કે બહુ જલ્દી બધું બરાબર થઈ જશે.’

આ સાંભળીને મને આઘાત લાગ્યો. આઘાતમાં હું એ ભૂલી ગયો કે મારી હાલત પણ સિતારા જેવી જ હતી. મને નર્સ દ્વાર ઘેનનુ ઇન્જેક્શન આપવામાં આવ્યું. ફરી હું થોડાક કલાક માટે સૂઈ ગયો. આમને આમ ત્રણ દિવસ સુધી ચાલ્યું. ચોથા દિવસે જ્યારે મને હોશ આવ્યો ત્યારે સિતારાને પણ હોંશ આવેલો હતો. સિતારા ચા-નાસ્તો કરી રહી હતી. તેને સ્વસ્થ જોઈને હું બોલ્યો,

‘સિતારા, બધું જ ઠીક છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.’

સિતારા મને કોઈ જવાબ આપી રહી નહોતી. તે હજુ ચા-નાસ્તો કરવામાં જ વ્યસ્ત હતી. હું ઊભો થયો અને સિતારા પાસે ગયો અને જઈને બેઠો, તો તે મારી સાથે અજીબ વ્યવહાર કરવા લાગી. મને કંઈ સમજાઈ રહ્યું નહોતું કે શું થઈ રહ્યું હતું. ડૉક્ટર અવિનાશ આવ્યા અને બોલ્યા,

‘શિવભાઈ, ચિંતા જેવી કોઈ વાત નથી. સિતારા થોડા આઘાતમાં ડૂબી ગયાં છે. એટલે એ તમારી સાથે આવો વર્તાવ કરી રહ્યાં છે પણ ચિંતા જેવી કોઈ વાત નથી. અમાર જેવો જ ઠીક થઈને આવશે કે તરત જ સિતારા ઠીક થઈ જશે.’

આ સાંભળીને મને અમારની યાદ આવી. સિતારાને પણ અમારનું નામ સાંભળતાંની સાથે અહેસાસ થયો. તે બેડમાંથી ઊભી થઈ અને ડૉક્ટર અવિનાશ પાસે આવી ગઈ અને પૂછ્યું,

‘મારો અમાર ક્યાં છે? અમારના બાપુ, આપણો અમાર ક્યાં છે? આપણે કેમ અહીં દર્દીની જેમ બેઠાં છીએ?’

મને તો એ પણ નહોતી ખબર કે હોસ્પિટલમાં આજે કેટલા દિવસ થઈ ગયા હતા. અમે જરાય પણ યોગ્ય માઇન્ડ ઓફ સ્ટેટમાં નહોતાં. મેં પણ ડૉક્ટર અવિનાશને એક પ્રશ્ન કર્યો?’

‘મારો દીકરો અમાર ક્યાં છે? ડૉક્ટર ઈશાન પણ દેખાઈ રહ્યા નથી! એ પણ ક્યાં છે?’

ત્યારે જવાબ આપતાં ડૉક્ટર અવિનાશ બોલ્યા, ‘શિવભાઈ, તમને છ દિવસ પહેલાંની ઘટના યાદ હશે!’

‘હું છ દિવસ બેહોશ રહ્યો?’ એકદમ આશ્ચર્ય સાથે મેં પૂછ્યું.’

‘જી, શિવભાઈ, આપને પહેલી વખત હોંશ બે દિવસ પછી આવ્યો હતો. એના પછી એક સેકન્ડ માટે ફરી હોંશ આવ્યો હતો અને ત્યારથી લઈને આજ તમે ફરી સરખી રીતે હોંશમાં આવ્યા છો.’

આ સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. સિતારા પણ ચોંકી ગઈ હતી. છેલ્લા છ દિવસથી અમે બેહોશ પડ્યાં હતાં. અમાર સાથે શું થયું! એના વિશે અમને કશીજ ખબર નહોતી. હું અને સિતારા ખૂબ જ ડરવા લાગ્યાં.

મારી અને સિતારાની તબિયત ફરી બગડે એની પહેલાં ડૉક્ટર અવિનાશે ડૉક્ટર ઈશાનને વીડિયોકૉલ લગાવ્યો. અમારી નજર સામે ઈશાન અને અમાર એકસાથે વીડિયોકૉલમાં હતા. અમારને નજર સમક્ષ સ્વસ્થ જોઈને મારા અને સિતારાના જીવને થોડી ટાઢક વળી. અમાર બોલ્યો,

‘મમ્મી…… પપ્પા…….’

આ બે શબ્દોએ અમને સ્વર્ગમાં હોવાની ખુશી આપી દીધી. તેમ છતાં પણ હજુ અમારો જીવ ઉપરનીચે તો થઈ જ રહ્યો હતો. સિતારાએ અમારને કહ્યું,

‘અમાર, તું કેમ છે દીકરા?’

‘હું તો એકદમ ઠીક છું પણ તમે ક્યાં છો?’

‘અમે તારી સાથે તો હોસ્પિટલ આવ્યાં હતાં. પછીનું અમને કશુજ યાદ નથી.’

ત્યારે ડૉક્ટર ઈશાન બોલ્યા, ‘હવે બધું ઠીક છે. પૈસાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. આવતીકાલ સાંજની તમારી ટિકિટ કરાવી દઉં છું, પછી પરમ દિવસે તમે અમારી પાસે પહોંચી જશો.’

આ સાંભળીને અમને કંઈ સમજાયું નહિ! અમાર બોલ્યો, ‘હું બે દિવસ પહેલાં જ વિમાનમાં બેઠો હતો અને ગઈકાલ સાંજે અમે અહીં આવી ગયા છીએ.’

હજુ પણ મને કંઈ સમજાયું નહિ! મારુ અને સિતારાનું ધ્યાન અમાર પર જ હતું. હવે અમારી નજર અમારની પાછળના બેકગ્રાઉન્ડ પર ગઈ અને જોયું તો તે બંને કોઈક ખૂબજ સુંદર રૂમમાં હતા. મેં પૂછ્યું,

‘અમાર, તું ક્યાં છે? તું બે દિવસ પહેલાં વિમાનમાં બેઠો હતો! આ તું શું કહી રહ્યો છે?’

મારા પ્રશ્નનો જવાબ આપતા ડૉક્ટર ઈશાન બોલ્યા, ‘શિવ, આજથી છ દિવસ પહેલાં જ્યારે મેં તમને હોસ્પિટલ બોલાવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં આવતાની સાથે અમાર બેહોશ થઈને નીચે પડી ગયો. એના નીચે પડ્યા પછી એ જોઈને સિતારા પણ બેહોશ થઈ ગઈ. ત્યારબાદ તમે પણ. અમારને મેં મારી બાહોમાં ઉઠાવી લીધો ને અમારા સ્ટાફ દ્વારા તમારા ચહેરા પર પાણી છાંટવામાં આવ્યું પણ તમારા બંનેમાંથી કોઈપણ હોંશમાં આવ્યું નહીં. ડૉક્ટર અવિનાશ દ્વારા તમારો ચેકઅપ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તમારું બંનેનું બીપી એકસાથે ડ્રોપ થયું હતું. આ વધારે પડતા ટેન્શનને લીધે થયું હતું. જેને લીધે ફટાફટ તમારો ઈલાજ શરૂ કરવામાં આવ્યો. ડૉક્ટર અવિનાશ તમારો બેસ્ટમાં બેસ્ટ ઈલાજ કરી રહ્યા હતા પણ તમારો સદમો  એટલો મોટો હતો કે તમને છ દિવસે સંપૂર્ણ હોંશ આવ્યો છે.’

ડૉક્ટર ઈશાનની વાત સાંભળીને હું અને સિતારા એકબીજા તરફ જોવા લાગ્યાં. ત્યારબાદ ડૉકટર ઈશાનને પ્રશ્ન પૂછ્યો,

‘તમે બંને અત્યારે ક્યાં છો?’

‘અમેરિકા…’

‘ક્યારે ગયા?’

‘પરમ દિવસ બપોરે..’

‘કેમ અચાનક અમારા વગર જ!’

‘હાલત એવા પેદા થઈ ગયા હતા કે મારે જવું પડ્યું. અમાર જેવો જ બીજા સ્ટેજમાં પહોંચ્યો. ત્યારે બ્લડ કેન્સરના બીજા તબક્કામાં અમારની બરોળ, લીવર અને લસિકા ગાંઠો એકદમ મોટી થઈ. આ અમારા માટે એકદમ ચોંકાવનારી ઘટના હતી. બીજા સ્ટેજમાં ત્રીજા સ્ટેજની જેમ અમારનું લોહી વધારે ખરાબ થવા લાગ્યું. જેના લીધે એના જીવને ખતરો વધી ગયો. જોકે બ્લડ કેન્સરના બીજા તબક્કામાં બરોળ, લીવર અને લસિકા ગાંઠો મોટી થાય છે પણ આ બધા અવયવો એક જ સમયે પ્રભાવિત થાય એવું જરૂરી નથી; જોકે, આ તબક્કામાં ચોક્કસપણે આમાંથી એક અવયવનો સમાવેશ થાય છે. આ તબક્કામાં લિમ્ફોસાઇટ્સનો વિકાસ ખૂબ જ વધારે હોય છે પણ અમારના કેસમાં આ બધું એક સાથે જ થઈ ગયું. જેને લીધે અમાર અશક્ત થયો અને નીચે પડી ગયો.’

તેમના મોઢેથી પોતાની આંખોના તારા અમાર માટે આ બધું સંભાળવું એમને જરાય પણ સહન થઈ રહ્યું નહોતું. અમને આ બધામાં કંઈ વિશેષ ખબર પડી રહી નહોતી. બસ આ સાંભળીને એક ઝટકો લાગ્યો ને મેં પ્રશ્ન પૂછી લીધો,

‘અમારની તબિયત ખૂબજ ખરાબ છે?’

‘માફ કરશો પણ હા.. જો અમારનો આવનાર દસ દિવસમાં ઈલાજ નહિ થાય તો…..’ ડૉક્ટર ઈશાન આગળ કશું બોલી ન શક્યા. એમની આંખો વહેવા લાગી અને તે બસ અમાર સામે જોઈ રહ્યા.

મા-બાપ હોવાને નાતે પોતાના લાડકવાયા, આંખોના રતન સમા દીકરા અમાર વિશે આવું સાંભળીને જરાય પણ સારું લાગી રહ્યું નહોતું. સિતારા બોલી,

‘હજુ સુધી ડોનર નથી મળ્યો! હજુ સુધી પૈસાની વ્યવસ્થા નથી થઈ! આપણા દીકરા પાસે આટલા ઓછા દિવસો રહ્યા છે એની ખબર જ નહોતી….’ સિતારા ફૂટીફૂટીને રડવા લાગી.


ક્રમશ……

Leave a comment