લ્યુકેમિયા – 27 અમેરિકા તરફ પ્રયાણ
સિતારાનો પ્રશ્ન સાંભળી ડૉ. ઈશાન બોલવા ગયા પણ એમની પહેલાં મેં જવાબ આપ્યો,
‘સિતારા, ડૉક્ટર ઈશાન આપણા અમારના ડોનર છે, તેમનો બોનમેરો મેચ આવી ગયો છે.’
આ સાંભળીને સિતારા ઉછળી પડી અને પૂછવા આવી, ‘ડૉક્ટર ઈશાન, ખરેખર તમે અમારના બોનમેરો ડોનર છો?’
‘હા ભાભી… હું જ અમારનો બોનમેરો ડોનર છું.’
આ સાંભળીને સિતારાના ચહેરા ઉપરનું સ્મિત વધારે ખીલ્યું. જે જોઈને મારા હૃદયને પણ થોડીક ટાઢક થઈ. ડૉક્ટર ઈશાન આગળ તેમની વાત જોડતા બોલ્યા,
‘સિતારાભાભી, જ્યારે તમે અહીં પહોંચશો ત્યારે અમારની સર્જરી ચાલી રહી હશે! અથવા અમારની સર્જરી થઈ ગઈ હશે.’
સિતારાના ચહેરા પરનું નુર પાછું જતું રહ્યું. અમને બંનેને સીધો પૈસાનો વિચાર આવ્યો અને મેં પૂછી લીધું, ‘ડૉક્ટર ઈશાન, એ બધું તો ઠીક છે પણ પૈસાની વ્યવસ્થા હજુ સુધી થઈ નથી.’
આ સાંભળીને મારી આસપાસ ઉભેલા ડૉક્ટર અવિનાશ અને બે-ત્રણ નર્સ ડૉક્ટર ઈશાન તરફ જોઈને હળવું સ્મિત કરવા લાગ્યાં. ડૉક્ટર ઈશાને કહ્યું,
‘તમને યાદ છે ને હોસ્પિટલ આવતાં સમયે મેં તમારાં ડોક્યુમેન્ટ મંગાવ્યાં હતાં. અમારના બેહોશ થયા પછી અને તેની તકલીફ જાણ્યા બાદ આપણી પાસે એને બચાવવા માટે વધારે સમય નહોતો. મેં તમારાં ડોક્યુમેન્ટ ચેક કર્યાં. એ પૂરતાં હતાં પણ એમાં અમારના કોઈ ડોક્યુમેન્ટ નહોતાં. હું તમારા ઘરે ગયો અને જઈને અમારના ડોક્યુમેન્ટસ્ કલેક્ટ કર્યાં અને મિનિસ્ટરી ઓફ હેલ્થમાં અમારની કન્ડીશન સાથે એપ્લાય કર્યું. ત્યાંથી તરત રિપ્લાય આવ્યો અને એ લોકો અમારના ઈલાજ માટે 5 કરોડ સહાય આપવા તૈયાર થઈ ગયા. એટલું જ નહિ તમારા પરિવારને અમેરિકા સરકાર પાસેથી અર્જન્ટ વિઝા પણ અપાવ્યા અને તમારા આવવા, જવાની તમામ વ્યવસ્થા પણ કરાવી દીધી.’
આ સાંભળીને તો અમારી આંખો ધરધર વહેવા લાગી. આંખોમાં ભરેલી વેદના આજે આંસુઓમાં વહેવા લાગી. ડૉક્ટર ઈશાન ફરી બોલ્યા,
‘ચાલો અમારને જમાડવાનો સમય થઈ ગયો છે. એને પછી દવા પણ આપવાની છે. તમારી ટિકિટ મેં અવિનાશને મેઇલ કરી દીધી છે, તે તમને કાલે એરપોર્ટ ડ્રોપ કરી દેશે.’
‘ઠીક છે ડૉક્ટર ઈશાન! આપ અમારા જીવનમાં ખરેખર ઈશ્વર બનીને આવ્યા છો.’
‘એ બધું છોડો અને અમેરિકા આવવાની તૈયારી કરો. બાય બાય…’
આટલું કહેતાં એમને કૉલ કટ કરી દીધો. મેં સિતારાને આલિંગનમાં ભરી અને કહ્યું, ‘આપણો અમાર હવે એકદમ ઠીક થઈ જશે.’
‘હા, અમારના બાપુ. આપણો અમાર હવે એકદમ ઠીક થઈ જશે.’
અમારા બંનેનો વિશ્વાસ આજે જીતી ચૂક્યો હતો. ડૉક્ટર ઈશાનમાં અમને ઈશ્વર દેખાવવા લાગ્યા હતા. એજ સમયે ડૉક્ટર અવિનાશે કહ્યું,
‘ચાલો હવે બેડ પર સુઈ જાઓ. આપનું ચેકઅપ કરી લઉં!’
ત્યારે સિતારા બોલી, ‘હવે અમારું ચેકઅપ કરવાની કોઈ જરૂર નથી. અમે એકદમ ઠીક છીએ.’
એ સાંભળીને અમે બધાએ સ્મિત કર્યું. મેં સિતારાને બેડ પર સુવા માટે ઈશારો કર્યો. ડૉક્ટર અવિનાશે અમારા બંનેનું ચેકઅપ કર્યું અને કહ્યું,
‘ઇટ્સ અ મિરેકલ! બન્ને એકદમ ઠીક છો.’
‘હોઈએ જ, છેલ્લા કેટલાક મહિનાઓથી ચિંતામાં હતાં. એ ચિંતા હવે ડૉક્ટર ઈશાનના લીધે છૂમંતર થઈ છે. હવે અમારી જીવવાની આશાને એક દિશા મળવા જઈ રહી છે. છેલ્લા કેટલાય મહિનાઓથી કોઈ આશાની કિરણ અમારે આંગણે ફરકતી પણ નહોતી પણ હવે એક રોશની દેખાઈ છે, એની પર અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા જીવનમાં એ અચૂક ફેલાશે.’
સિતારા રડતાં રડતાં બોલી. એણે બધું કહી દીધું હતું એટલે મારી પાસે હવે કહેવા માટે કંઈ હતું નહિ. બસ હું એની તરફ જોઈ રહ્યો હતો. ડૉક્ટર અવિનાશ એમની ભીની આંખોના ખૂણા લૂછતાં બોલ્યા,
‘આટલી ઈમોશનલ વાતોની મને આદત નથી. બસ હું તો ઈશ્વરને પ્રાર્થના કરીશ કે અમાર જલદી ઠીક થઈ જાય. અને હા તમને હું સાંજે ડિસ્ટાર્જ કરી દઈશ.’
ત્યારે સિતારા બોલી, ‘અમરના બાપુને રાખવા હોય તો રાખો. આમેય એ મારા પછી હોંશમાં આવ્યા છે. મને અત્યારે જવા દો. કાલે અમેરિકા માટે નીકળવાનું છે. અમારનો સામાન પણ લઈ જવાના છે.’
સિતારા એકદમ ઉત્સાહમાં આવી ગઈ હતી. એની વાતો સાંભળીને અમે બધાં હસી પડ્યાં. એ પણ સ્મિત કરી રહી હતી. અમારા બંનેની નજર સ્મિત કરતાં કરતાં એકબીજા પર પડી અને થોડાક સમય માટે થોડી ખુશી દૂર થઈ અને ઊભા થતાં એકબીજાને આલિંગનમાં ભરી દીધાં.
***
બીજા દિવસે સવારે દસ વાગ્યે ડૉક્ટર અવિનાશ અમને પિક કરવા માટે આવી ગયા. અમારા માટે આ બધું સ્વપ્ન જેવું હતું. ક્યારેય ગુજરાત બહાર જવાનો વિચાર પણ નહોતો આવ્યો ને આજે અમે અમેરિકા જઈ રહ્યાં હતાં. મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું પણ એ વંટોળને કાબૂમાં કરતાં ડૉક્ટર અવિનાશની કારમાં એરપોર્ટ પહોચ્યાં. એમણે અમને ડ્રોપ કરતાં કહ્યું,
‘શિવભાઈ, ઓલ ધ બેસ્ટ! આ મારો નંબર છે, અંદર કોઈપણ મુશ્કેલી પડે તો મને તરત જ કૉલ કરી દેજો.’
હું કંઈ બોલું એની પહેલાં એક યુવાન ત્યાંથી અંદર સમાન સાથે એન્ટર થઈ રહ્યો હતો. એને પકડતાં કહ્યું,
‘હે મેન, શું તમે સ્પાઈટ જેટમાં બેંગલોર જઈ રહ્યા છો?’
‘હા, કેમ?’
‘આ બંને જણાં પ્રથમ વખત એરપોર્ટ પર આવ્યાં છે. એમને તમારી મદદની જરૂર છે.’
‘શું આ બેંગલોર જઈ રહ્યાં છે?’
‘તેમની ત્યાંથી અમેરિકા માટેની ફ્લાઈટ છે, તે અમેરિકા જવાનાં છે.’
‘ઓહ હું પણ અમેરિકા જઈ રહ્યો છું. છેલ્લે સુધી તેમની સાથે રહીશ; તમે ચિંતા ન કરો. જો પોસિબલ હશે તો અમારા ત્રણેની સીટો પણ એકબીજાની પાસે હશે.’
ફરી વખત એ યુવાનની અંદર ઈશ્વરનો અમને ચમત્કાર દેખાયો. ડૉક્ટર અવિનાશ બોલ્યા, ‘આ મારો નંબર છે, જેવાં તમે પ્લેનમાં બેસી જાવ ત્યારે મને જાણ કરી દેજો. જો અંદર કોઈપણ સમસ્યા આવે તો મને ફોન કરી દેજો. જ્યાં સુધી તમારું પ્લેન ટેકઓફ નહિ થાય ત્યાં સુધી હું અહીં પાર્કિગમાં જ છું.’
ડૉક્ટર અવિનાશ અમારી આટલી ચિંતા કરી રહ્યા હતા એ જોઈને હું ભાવવિભોર થઇ ગયો. મારી આંખો ભરાઈ આવી ને મેં એમને આલિંગનમાં ભરી દીધા! હું એમને ઘણું કહેવા માગતો હતો પણ કશુજ કહી ન શક્યો. એ બસ એટલુંજ બોલ્યા,
‘આપ નિશ્ચિત થઈને જાઓ. બધું એકદમ ઠીક થઈ જશે. ઈશ્વર આપની સાથે છે.’
બસ આજ તો જોઈતું હતું. એમને બાય કહીને પેલા યુવાન સાથે એરપોર્ટની અંદર આવી ગયાં. એણે અમારા બોર્ડિંગ પાસથી લઈને પ્લેનમાં બેસવા સુધી ઘણી મદદ કરી. એનું નામ રોહન હતું અને તે અમેરિકાના સ્ટડી માટે જઈ રહ્યો હતો. તેની સાથે વાત કરીને એક ઉચ્ચ પરવરિશની ખાતરી થઈ. બેંગ્લોરથી પ્લેન ચેન્જ કર્યું અને એકવીસ કલાક જેવો સમય ન્યુયોર્ક પહોંચતાં લાગ્યો. ત્યારબાદ અમને લગેજ કલેક્ટ કરવામાં પણ રોહને મદદ કરી. મેં તેને અમારી સાથે આવવા ઓફર કરી પણ એને પિક કરવા એના અંકલનો ડ્રાઈવર આવેલો હતો. જતાં જતાં તે બોલ્યો,
‘અંકલ, આપ જરાય પણ ચિંતા ન કરતા. તમારો દીકરો અમાર એકદમ ઠીક થઈ જશે. આ મારા અંકલનો નંબર છે, એ પણ હિમેટોલોજિસ્ટ છે. લ્યુકેમિયાને લગતી તમામ સર્જરીમાં એ તમારી મદદ કરી શકે છે. (થોડીવાર વિચાર કરીને) એક મિનિટ તમે અમાર ચૌધરીની વાત તો નથી કરી રહ્યા ને?’
‘હા…’
‘એની અત્યારે સર્જરી ચાલી રહી છે?’
‘હા પણ તને કઈ રીતે ખબર?’ મેં એને નવાઈ પામતાં પ્રશ્ન કર્યો.
‘મને અંકલ કહી રહ્યા હતા કે તે મને પીક કરવા માટે નહીં આવી શકે! તેમની બોનમેરો ટ્રાન્સલેટની સર્જરી છે આ ટાઈમે…’
હું એને કંઈ જવાબ આપું એની પહેલાં અમને લેવા માટે આવેલી કારના ડ્રાઈવરે ગુજરાતીમાં અમારા નામનું બોર્ડ હાથમાં પકડી રાખ્યું હતું, એની પર મારી નજર પડી. મેં હાથ ઊંચો કરીને એને બોલાવ્યો અને કહ્યું,
‘હું છું શિવ ચૌધરી અને આ મારી પત્ની સિતારા ચૌધરી છે.’
આ સાંભળીને તે બોલ્યો, ‘માફ કરસો સર, મારી કાર ખરાબ થઈ ગઈ છે. મેં તમારી માટે કારની વ્યવસ્થા કરવાની કોશિશ કરી પણ થઈ શકી નથી. આપ એવું કરો વેટિંગ એરિયામાં વેઇટ કરો, હું ટેક્સી બોલાવી લઉં છું.’
મારે અને સિતારાએ જેમ બને એમ જલ્દી હોસ્પિટલ પહોંચવું હતું પણ કાર ખરાબ થવાને લીધે અમારા ચહેરા પરનું નુર ઉડી ગયું. અમારી વાતો સાંભળીને રોહન બોલ્યો,
‘અંકલ તમને કોઈ સમસ્યા ના હોય તો મારી કારમાં મારી સાથે ચાલો. હું તમને હોસ્પિટલ ડ્રોપ કરી દઈશ. તમારો સામાન તમારા ડ્રાઇવરની કારમાં મૂકી દો, એ તમારી હોટલમાં પહોંચાડી દેશે અને તમે તમારો જરૂરી સામાન લઈને મારી સાથે ચાલો.’
રોહન ખરેખર ઈશ્વરે મોકલેલ દૂત હોય એવો અહેસાસ થઈ રહ્યો હતો. ડ્રાઇવરને અમારો સામાન સોંપીને અમે રોહન સાથે સીધાં હોસ્પિટલ આવી ગયાં.
ક્રમશ……

Leave a comment