લ્યુકેમિયા – 28 આર યા પાર

હોસ્પિટલ પહોંચ્યા બાદ રોહન સાથે છેક ઓપરેશન થિયેટર સુધી પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો અમારની સર્જરી ચાલી રહી હતી. એક એલીડી લાગેલી હતી, જેમાં સર્જરી જોવા મળી રહી હતી. હું અને સિતારા ખૂબ ડરી રહ્યાં હતાં. અમારા મુખમાંથી, ‘બસ બધું સારું થાય ને અમાર બચી જાય!’ એવી જ પ્રાર્થના નીકળી રહી હતી.

બે કલાક પછી બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પૂર્ણ થઈ. ડૉક્ટર એડિયલ બહાર આવ્યા અને સામે રોહનને જોઈને બોલ્યા,

‘રોહન, તું આવી ગયો! પણ અહીં હોસ્પિટલ કેમ આવ્યો?’

રોહન કંઈ જવાબ આપે એની પહેલાં મારા અને સિતારાથી રહેવાયું નહિ ને અમે એમની પાસે દોડી ગયાં. સિતારા તેમના પગમાં બેસી ગઈ. ડૉક્ટર એડિયલને આ બધું અજીબ લાગ્યું એટલે તે બોલ્યા,

‘મેમ, આ તમે શું કરી રહ્યાં છો? What are you doing?’

‘ડૉક્ટર, જ્યાં સુધી આપ એવું નહીં કહો કે અમારો દીકરો અમાર એકદમ ઠીક છે ત્યાં સુધી હું તમારા પગ છોડવાની નથી.’

આ સાંભળીને ડૉક્ટર એડિયલ નીચે બેઠા અને બોલ્યા, ‘તમારો દીકરો એકદમ ઠીક છે, ત્રણ-ચાર વિકમાં તેને રિકવરી આવી જશે.’

ડૉક્ટર એડિયલે સિતારાનો ખભો પકડીને તેને ઊભી કરી. હું તો બસ તેમના શબ્દો સાંભળી રહ્યો હતો. સિતારાની આંખમાં એક હર્ષ મને સાફ સાફ દેખાઈ રહ્યો હતો. ડૉક્ટર એડિયલ બોલ્યા,

‘હું તમારી હાલત સમજી શકું છું. મને ડૉક્ટર ઈશાને બધીજ વાત કરી દીધી છે. પણ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એક મહિનામાં તો અમાર એકદમ સ્વસ્થ થઈ જશે.’

આ સાંભળીને અમારા જીવને ટાઢક વળી. મારાથી હવે રહેવાયું નહિ ને ડૉક્ટર એડિયલનો આભાર વ્યક્ત કરતાં કહ્યું,

‘જ્યારથી મને ખબર પડી કે અમારા દીકરા અમારને બ્લડ કેન્સર છે, ત્યારથી લઈને આજ દિવસ સુધી ઈશ્વર પાસે અમારના જીવન માટે દરેક સેકન્ડે ભીખ માગી છે. આજે જ્યારે અમાર સ્વસ્થ છે, તે સાંભળીને ઈશ્વરે અમારી પ્રાર્થના સાંભળી લીધી હોય એવું લાગે છે. ડૉક્ટર ઈશાન અમારા જીવનમાં વરદાન બનીને આવ્યા છે, જેમને લીધે અમે અમારા દીકરા અમારને બચાવી શક્યાં છીએ. જો આજે એ ન હોત તો હું કલ્પના પણ નથી કરી શકતો…’

‘મને ડૉક્ટર ઈશાને બધીજ વાત કરી છે, એટલે હું તમારી મારા ફાર્મહાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી છે. તમારો ડ્રાઇવર પણ સમાન લઈને ત્યાં પહોંચી ગયો હશે. જ્યાં સુધી અમાર રિકવર ન થઈ જાય ત્યાં સુધી તમને ત્યાં બધી જ સુવિધા મળશે! ને એક ગુજરાતીની મદદથી એક ગુજરાતી નહીં કરે તો બીજું કોણ કરશે?’

હું એમની દરિયાદિલી જોઈને ભાવવિભોર થઈ ગયો. આજે પણ ઇન્સાનિયત જીવે છે એનાં સાક્ષાત દર્શન થઇ રહ્યાં હતાં. ડૉક્ટર એડિયલને આલિંગન કર્યું અને એટલું જ કહ્યું, ‘તમારા આ ઉપકાર બદલ જીવનભર તમારો રૂણી રહીશ..’

ત્યારે તે બોલ્યા, ‘મેં તો માત્ર મારું કર્તવ્ય નિભાવ્યું છે પણ ડૉક્ટર ઈશાને, જે તમારી માટે કર્યું છે, એની માટે તમારે એમના રુણી રહેવાની જરૂર છે.’

ત્યારે હું એટલું જ બોલ્યો, ‘ડૉક્ટર ઈશાન મારા ભાઈ છે. એમને જે કંઈપણ કર્યું છે એ એમના ભત્રીજા અમાર માટે કર્યું છે અને એમની સાથે આ બધી વાતો કરીને હું એમને દુઃખી કરવા માગતો નથી.’

આ સાંભળીને ડૉક્ટર એડિયલ એટલું જ બોલ્યા, ‘અહીં પરદેશમાં આવીને માત્ર આ જ વસ્તુને હું મિસ કરું છું. કોઈ સાથે લોહીના સંબંધ ન હોય તો પણ સગા જેવો સંબંધ બંધાઈ જાય છે, એવા સંબંધો અહીં નથી બનતા.’

ત્યારે મેં કહ્યું, ‘પરદેશની ધરતી પર તમારી સાથે પણ એક સંબંધ બાંધુ છું. અમારને હું આ દુનિયામાં લાવ્યો છું પણ તમે અમારને નવું જીવન આપ્યું છે, એટલે તમે પણ એના પિતા થયા. બસ એ નાતે હું તમને મારા મોટા ભાઇના સ્થાન પર બિરદાવું છું.’

‘મને ખુશી થશે….’ આટલું કહીને અમે બંનેએ એકબીજાને આલિંગન કર્યું.

ત્રણ દિવસ પછી અમાર અને ડૉક્ટર ઈશાનને ડિસ્ટાર્જ કર્યા. ડૉક્ટર એડિયલના ફાર્મહાઉસ પર મેં અને સિતારાએ મળીને એમની ખૂબજ કેર કરી અને ત્રણ અઠવાડિયામાં ડૉકટર ઈશાન રિકવર થઈ ગયા. અમાર પણ હવે સ્વસ્થ થવા લાગ્યો હતો. ડૉક્ટર એડિયલ વારંવાર આવીને અમારની દેખરેખ રાખતા, જેને લીધે બીજા જ અઠવાડિયે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો.

અમારનું આજે છેલ્લું ચેકઅપ થયું અને હવે અમને ખબર પડવાની હતી કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ થયું છે કે નહીં! સાંજે રિપોર્ટ આવવાના હતા, જેથી અમે થોડાં પરેશાન હતાં. અમારની અંદર આ મહિનામાં ઘણા બદલાવ જોવા મળ્યા હતા. બસ હવે રિપોર્ટમાં શું આવશે એ જાણવા માટે અમે હોસ્પિટલ પહોંચ્યાં.

ડૉ. એડિયલ ઘણા પરેશાન દેખાઈ રહ્યા હતા. તેમને પરેશાન જોઈને મારી સાથે ડૉક્ટર ઈશાનની ધડકન પણ તેજ થવા લાગી હતી. સિતારા અમારા ત્રણેયના ચહેરા જોઈને ગભરાઈ રહી હતી. એક હાથે તેને મારી ટીશર્ટની બોય પકડી લીધી. ડૉક્ટર ઈશાને પૂછ્યું,

‘ડૉ. એડિયલ, અમારનો રિપોર્ટ આવી ગયો?’

‘હા, ડૉ. ઈશાન.’

“Is there a problem?”

“No!”

“Then why do you look so stressed?”

“I’m not stressed, Dr. Ishan. I’m just… shocked.”

“Shocked? Why?”

“I thought it would take Amar a long time to recover. But his bloodwork is completely normal, and his recovery rate is at 100%. Honestly, it feels like a miracle. I’ve never seen such a rapid recovery before.”

“Oh? Really?”

“Yes…”

તે બંને અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા અને મને કંઈ પણ સમજાઈ રહ્યું નહોતું. હું ઘડીકમાં ડૉક્ટર એડિયલ સામે જોતો, તો ઘડીકમાં ડૉક્ટર ઈશાન સામે. હવે મારાથી રહેવાયું નહિ ને મેં પૂછી લીધું,

‘તમે બંને શું વાત કરી રહ્યા છો એ અમને સમજાઈ રહ્યું નથી. કોઈ ચિંતા જેવી વાત છે?’

ત્યારે ડૉક્ટર ઈશાને કહ્યું, ‘મેં ડૉક્ટર એડિયલને પૂછ્યું કે કોઈ ચિંતા જેવી વાત છે, ત્યારે એમણે મને કહ્યું કે ના કોઈ ચિંતા જેવી વાત નથી પણ એ થોડા આ વાતને લઈને સિરિયસ છે. ત્યારે તેમણે જણાવ્યું કે તે આશ્ચર્યમાં છે, કે આટલી જલ્દી અમાર રીકવર કેવી રીતે થઈ શકે? અમાર એકદમ સ્વસ્થ છે. તેનો રિકવરી રેટ 100% છે. હવે ચિંતા જેવી કોઈ વાત નથી.’

ડૉક્ટર ઈશાનની વાતમાં ઉમેરતાં ડૉ. એડિયલ બોલ્યા, ‘અમાર, જે હાલમાં અહીં આવ્યો હતો એ જોઈને મને લાગી રહ્યું હતું કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સક્સેસ થવાના 10% પણ ચાન્સ નહોતા. ત્યારે મેં ડૉક્ટર ઈશાનને આ સર્જરી માટે ના કહી હતી પણ એમને કહ્યું કે એમને પૂર્ણ વિશ્વાસ છે કે એમનો ચેમ્પ અમાર બહુજ જલદી સ્વસ્થ થઈ જશે અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 100% સક્સેસ થશે. જો આજે ડૉ. ઈશાન ન હોત તો આ મીરેકલ ન થયો હોત અને અમાર આપણને છોડીને….’

તે બોલતા બોલતા રોકાઈ ગયા. તેમને તેમની ભીની આંખો લૂછી અને બોલ્યા, ‘અમારની સર્જરી મેં કરી છે પણ તેને નવું જીવનદાન ડૉ. ઈશાને આપ્યું છે. આજથી પહેલાં ઘણા સર્જન જોયા છે, જે પોતાના ખિસ્સા ભરવા માટે ડૉક્ટર બને છે પણ ડૉ. ઈશાન એક એવા સર્જન છે, જે પોતાના જીવની કિંમતે અન્યનો જીવ બચાવે છે.’

ડૉ. એડિયલે કહેલી વાત સાથે હું અને સિતારા સો ટકા સહમત હતાં. મેં ડૉ. ઈશાનને સંબોધતાં કહ્યું, ‘અમારા જીવનમાં આરપારની જંગ જામી હતી પણ તેને પાર લગાવી છે ડૉ. ઈશાને..’

હું આગળ કંઈ બોલું તેની પહેલાં ડૉકટર ઈશાન બોલ્યા, ‘મેં માત્ર મારી ફરજ નિભાવી છે. મને મારું કર્તવ્ય અને સર્જન બનતાં સમયે લીધેલી કસમે આ બધું કરાવ્યું છે. અમારની જગ્યાએ કોઈપણ હોત! હું એની માટે આ કરતો અમે બદલામાં મારે ફક્ત તમારા આશીર્વાદ જોઈએ છે.’

અમે ત્રણેય સાથે બોલ્યાં, ‘ડૉ. ઈશાન, તમારી આજ લગનને લીધે આપણે અમારની જિંદગી બચાવી શક્યાં છીએ. અને આગળ આપ જેને પણ જરૂર હશે એની જિંદગી બચાવી શકશો, એની અમને ખાતરી છે.’

‘બસ એથી વિશેષ મારે જીવનમાં કંઈ જોઈતું નથી.’

થોડા સમય પછી ડૉક્ટર ઈશાન બોલ્યા, ‘આવતીકાલે તમારા વિઝા પૂર્ણ થાય છે, કાલે સવારની મેં ટિકિટ કરાવી લીધી છે. આપ આપનો સામાન ભરીને તૈયાર રહેશો.’

પછી મેં ડૉ. એડિયલનો આભાર વ્યક્ત કરવાની કોશિશ કરી પણ એ માન્યા જ નહિ અને કહ્યું, ‘અમાર, ઠીક છે એટલે બધું ઠીક છે. કોઈ આભાર માનવાની જરૂર નથી. મેં પણ ડૉક્ટર ઈશાનની જેમ મારું કર્તવ્ય નિભાવ્યું છે.’

અમારી પાસે બોલવા માટે હવે કંઈ શેષ નહોતું એટલે હોસ્પિટલમાંથી પાછા ફાર્મ હાઉસ આવી ગયાં.

બીજા દિવસે સવારે મેં, અમાર, સિતારા અને ડૉ. ઈશાન સાથે ફ્લાઇટ પકડી લીધી. અમાર, મારો અને સિતારાનો હાથ પકડીને બોલ્યો,

‘ઈશાન અંકલ ન હોત તો આજે હું ન હોત…’

ત્યારે ઈશાને એના મોં પર હાથ મૂકીને કહ્યું, ‘બસ ચેમ્પ, છેલ્લા એક મહિનાથી આ સાંભળીને મને યમરાજ હોવાની ફિલિંગ આવે છે. હવે બસ કર બેટા….’ એમની વાત સાંભળીને અમે બધાં સાથે હસ્યાં..

અમદાવાદના એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થઈ અને ફરીથી રાજીખુશીથી અમારું જીવન રાબેતા મુજબ ચાલવા લાગ્યું.

****

અમારી મદદે ડૉ. ઈશાન આવ્યા અને અમારનું જીવન બચાવી લીધું પણ જો આપને કોઈની જિંદગી બચાવવાનો મોંકો મળે તો પાછી પાની ન કરતાં. કેમકે એક અમારની જિંદગી શિવ અને સિતારા જેવા માતા-પિતાથી જોડાયેલી હોય છે, જે પોતાના સંતાનને જોઈને જીવતાં હોય છે. તો એક સાથે આપ ત્રણ જિંદગી બચાવ્યાનું પુણ્ય મેળવી શકો છો.

સમાપ્ત…..

Leave a comment