“સાનિધ્ય”
સાનિધ્ય એટલે નિકટતા,સમીપતા,સમક્ષપણું અને અપનાપનપણું,જે સૌને ગમે. પોતાની ગમતી,પ્રેમભરી વ્યક્તિનું સાનિધ્ય જો હોય તો બંધેજ સુખસાગર દેખાય અને હદયમાં લાગણીના મોજાઓ ઉછળતા હોય. પછીએ સાનિધ્ય ગમે તે પ્રકારનું હોય, પણ માણવું ગમે.
ઘણી વખત એવું બને. મિત્રોના સમૂહમાં એક બીજા મિત્રો મનગમતા મિત્રોનું સમૂહ રચીને આપસી સાનિધ્ય માણતા હોય છે. ક્યારેક આજ હેતુથી અમુક ચોક્કસ મિત્રોની ખોટ પણ સાલતી હોય છે. તેની વગર ખાલીપો લાગે છે ત્યારે આપણને તે મિત્રના સાનિધ્યનું મૂલ્ય સમજાય છે. એ મિત્રનું મૂલ્ય સમજાય છે. આવુંજ સગાસંબંધીઓની બાબતમાં પણ બનતું હોય છે.કોઈ પ્રસંગ હોય અને આપણે જવાનું હોય તો આપણે પૃચ્છા કરતા હોઈએ છીએ કે કોને કોને આમંત્રણ છે. આપણી મનપસંદ વ્યક્તિ કે જેનું સાનિધ્ય આપણને ગમે છે તે વ્યક્તિ આમંત્રિત છે કે નહીં. અને જો હોય તો આપણો આનંદ બેવડાય જાય છે મજા પડી જાય છે. પ્રસંગમાં જવાનો ઉત્સાહ વધી જાય છે.
જીવનમાં પતિપત્ની વચ્ચેનું સાનિધ્ય,સાયુજ્ય બહુંજ મહત્વનું છે. કારણ કે તે કુટુંબસંસ્થાનો પાયો છે. તેના પર જ સામાજિક પ્રણાલીની ઇમારત ચણાય ને ઉભી હોય છે. જો, તે બે વચ્ચે તંદુરસ્ત સાનિધ્ય નહીં હોય તો તેની અસર બાળ ઉછેરથી લઈને વડીલોના જીવન સુધી વિસ્તરે છે. બંનેનું જીવન તો છિન્નભિન્ન થાય જ છે સાથે સાથે બીજા અનેકના જીવનને પણ અસર કરે છે. અને અંતે કુટુંબ સંસ્થાનો પાયો હલબલી જાય છે. ક્યારેક ધ્વસ્ત પણ થઇ જાય છે.
બાળકો પણ સાનિધ્યનો એક ભાગ હોય છે.જે ઘરમાં એકબીજા સાથેનું સાનિધ્ય તંદુરસ્ત હશે. ત્યાં બાળકોનો ઉછેર પણ તંદુરસ્ત અને સાહજિક રીતે થતો હશે. કુટુંબ પણ સામાજિક રીતે પ્રતિષ્ઠિત હશે. પણ જે કુટુંબમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ,જતુ કરવાની ભાવના કે મનથી અસંતુષ્ટ હશે ત્યાં બાળ ઉછેરમાં પણ અનઘણ વહીવટ હશે જે આગળ જતાં સમાજને હાની રૂપ થઈ શકે છે. એટલે બાળકો સાથેનું સાનિધ્ય પણ જિંદગીનું એક મહત્વનું અંગ છે. બાળક ભવિષ્યનો નાગરિક હોવાથી એ સામાજિક વ્યવસ્થાનું પણ એક મહત્વનું અંગ છે.
સાનિધ્ય માણવું એ દ્વી-માર્ગી પ્રક્રિયા છે. આપો અને લો. એક માર્ગીય પ્રક્રિયા અલ્પ જીવી નીવડે છે. કારણ કે ભાવની સામે પ્રતિભાવ જરૂરી છે. ખાલી એક તરફી ભાવથી કદાચ સાથે રહી શકાય પણ તેનાથી એકબીજામાં અપનાપણપણું,સમભાવ ઉભો ન થાય અને એ સંબંધોમાં થિંગડા મારવા જેવું કામ કરે કે જે ગમે ત્યારે ફાટી જાય. કોઈપણ સાથે સાનિધ્ય ત્યારે જ લાંબુ ટકી શકે જયારે બંને વ્યક્તિ વચ્ચે ખુલ્લાપણું હોય. કોઈપણ જાતની ભેદરેખા ન હોય.
આપણે રોજ-બ-રોજના વહેવારમાં પણ મનની નજદીક હોવું,સમીપ હોવું,ખુબજ નિકટ હોવું જરૂરી છે. જેથી તેની સાથે આપણે ખુલ્લા દિલે કોઈપણ વાત કરી શકીએ.આવી વ્યક્તિ આપણી પાસે, આપણા સાનિધ્યમાં હોય તો ગમે. અને આ બધુંજ કેવું સાનિધ્ય આપણે સામેની વ્યક્તિ સાથે રાખીએ છીએ તેની ઉપર આધાર રાખે છે. મારા મતે પતિ, પત્ની વચ્ચેનું સાનિધ્ય,સાનિધ્યની વ્યાખ્યા પ્રમાણે ઉચ્ચત્તમ સાનિધ્ય ગણાય.કારણ કે આ સાનિધ્ય જ સામાજિક,આર્થિક,સંસ્કારિતા અને સામાજિક ઉત્થાનનો પાયો છે.જો, પાયો મજબુત હશે તો દુનિયાની કોઈ તાકાત તેને નુકશાન પહોચાડી નહી શકે.
ટૂંકમાં કહું તો સાનિધ્યએ કૌટુમ્બીક સંબંધો,વ્યવહારિક સંબંધો,સામાજિક સંબંધો કે કોઈપણ સંબંધ માટે જરૂરી તત્વ છે, પ્રાણવાયું છે. સાનિધ્ય વગરનાં બધાં સંબંધો અલ્પ જીવી નીવડે છે. સંબંધોમાં અવિશ્વાસનું વાતાવરણ ઉભું થાય છે.
નરેન્દ્ર ત્રિવેદી….
ભાવનગર (ગુજરાત)
Nkt7848@gmail.com
9429234243
One response to “સાનિધ્ય – નરેન્દ્ર ત્રિવેદી”
-
સુંદર લેખ
LikeLike
Leave a reply to કે ડી માધવાણી Cancel reply